ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે GATE 2026 ના પ્રથમ દિવસનો પ્રારંભ ઉત્સાહભેર કરવામાં આવ્યો, જ્યાં ઉદ્યોગ, સરકાર અને વૈશ્વિક હિતધારકો વચ્ચે સંવાદને પ્રોત્સાહન આપવામાં આવ્યો.

કાર્યક્રમની શરૂઆત ઉદ્ઘાટન સત્રથી થઈ હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ અને ‘વિકસિત ગુજરાત 2047’ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ, નીતિગત સ્થિરતા અને ટકાઉ આર્થિક વિકાસ અંગે રાજ્યના પ્રયાસો રજૂ કર્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું, “ગુજરાત ગ્રીન ગ્રોથ, રિન્યુએબલ એનર્જી અને ટકાઉપણું આધારિત ઔદ્યોગિકીકરણ પર વિશેષ ધ્યાન આપી રહ્યું છે.” તેમણે સેમિકન્ડક્ટર મિશન, ગિફ્ટ સિટી અને લોજિસ્ટિક્સ પોલિસી જેવી પહેલોની પણ ચર્ચા કરી હતી.

GCCIના પ્રમુખ સંદીપ એન્જિનિયરે મહાનુભાવો અને સહભાગીઓનું સ્વાગત કરી જણાવ્યું કે, “GATE 2026 ના વ્યાપમાં અગાઉની આવૃત્તિઓની સરખામણીમાં બમણાથી વધુ વધારો થયો છે.” તેમણે ઉમેર્યું કે, “આ વર્ષે 500 થી વધુ પ્રદર્શકો અને 30,000 થી વધુ યુનિક રજીસ્ટ્રેશન નોંધાયા છે.” સાથે જ તેમણે જણાવ્યું કે, ડેલૉઇટ ઇન્ડિયા હાલમાં GCCI માટે 2047 સુધીનો દીર્ઘકાલીન રોડમેપ તૈયાર કરી રહ્યું છે, જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ વિઝન સાથે સુસંગત છે.

ટોરેન્ટ પાવર લિમિટેડના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જીનલ મહેતાએ ઊર્જા સુરક્ષા અને ટકાઉપણું પર ભાર મૂકતાં જણાવ્યું, “વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ઊર્જા સુરક્ષા એ રાષ્ટ્રીય સુરક્ષાનો ભાગ છે, અને વીજ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા વ્યૂહાત્મક પ્રાથમિકતા હોવી જોઈએ.”

મંચ પર અન્ય મહાનુભાવો તરીકે ક્રેડાઈ નેશનલના પ્રમુખ શેખર પટેલ, GCCIના સિનિયર ઉપપ્રમુખ રાજેશ ગાંધી, ઉપપ્રમુખ અપૂર્વ શાહ, પૂર્વ પ્રમુખ અજય પટેલ, માનદ મંત્રી સુધાંશુ મહેતા, માનદ મંત્રી (રીજીયોનલ) બિપેન્દ્રસિંહ જાડેજા અને માનદ ખજાનચી ગૌરાંગ ભગત ઉપસ્થિત રહ્યા હતા.

બપોરે “CEO પાવર પેનલ: બિલ્ડિંગ ગ્લોબલ-સ્કેલ એન્ટરપ્રાઇઝિસ” વિષયક પેનલ ચર્ચા યોજાઈ હતી. જેમાં સૌમ્ય એન્જિનિયર, અક્ષત દોશી, પ્રિયવ્રત મફતલાલ અને શ્રેયાંસ ધોળકિયા જેવા કોર્પોરેટ નેતાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યવસાય વિસ્તરણના અનુભવ શેર કર્યા. આ સત્રનું સંચાલન ડેલૉઇટ ઇન્ડિયાના કે. આર. સેખરે કર્યું હતું.

દિવસના અંતે સંજય ઘોડાવત ગ્રુપના ચેરમેન સંજય ઘોડાવતે “શૂન્ય થી શિખર સુધી: અનિશ્ચિતતાના સમયમાં નેતૃત્વ” વિષય પર મુખ્ય સંબોધન આપ્યું હતું. તેમણે પડકારોને પાર કરવા માટે સ્થિતિસ્થાપકતા અને દ્રઢતાની મહત્વતા રજૂ કરી હતી.

એડમિન બ્લોક ખાતે યોજાયેલા સેમિનારોએ ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટઅપ રોકાણો પર ચર્ચા જગાવી હતી. “ધ પિચ મેરેથોન 1” સત્રમાં અગ્રણી વેન્ચર કેપિટલિસ્ટ્સ અને રોકાણકારોએ ઉભરતા સ્ટાર્ટઅપ વિચારોનું મૂલ્યાંકન કર્યું હતું. ત્યારબાદ “ભારતમાં પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ રોકાણોના વર્તમાન પ્રવાહો” વિષય પર પેનલ ચર્ચા યોજાઈ હતી.

GATE 2026 ના પ્રથમ દિવસે ગુજરાતના ઉદ્યોગ જગત માટે આર્થિક પ્રગતિ અને ઔદ્યોગિક સહયોગ માટે મજબૂત પાયો નાખાયો છે, જે આગામી દાયકાઓમાં રાજ્યના વિકાસ માટે દિશા દર્શાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *