પર્યાવરણ જાગૃતિ માટે ગંગા સમગ્રનું અભ્યાસ વર્ગ, પ્રદૂષણ નિયંત્રણ અને નદી સંરક્ષણ પર ભાર ગાંધીનગર : આજ રોજ ગાંધીનગર સ્થિત સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે ગંગા સમગ્રના ગંગા સેવિકા આયામનો પ્રાંતિય અભ્યાસ વર્ગ સફળતાપૂર્વક યોજાયો હતો. આ અભ્યાસ વર્ગમાં ગુજરાતના ૧૭ જિલ્લાઓમાંથી ગંગા સેવિકા આયામના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગાંધીનગરમાં ગંગા સેવિકા આયામના પ્રાંતિય અભ્યાસ વર્ગમાં ૧૭ જિલ્લાઓના કાર્યકર્તાઓ જોડાયા કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં જશુભાઈ પટેલ, ડો. ઈલેવાન ઠાકર તથા અરૂણસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત સંગઠન મંત્રી પ્રકાશ યાદવએ કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગંગા સમગ્ર દ્વારા પર્યાવરણ જાગૃતિ, નદી સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ માટે સતત વિવિધ અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે. જૈવિક ખેતી પર વિશેષ સત્ર, ડો. ઈલેવાન ઠાકરે ગાય આધારિત પદ્ધતિનું મહત્વ સમજાવ્યું ઉદ્ઘાટન સત્ર દરમિયાન જશુભાઈ પટેલએ ગુજરાતમાં ગંગા સમગ્ર દ્વારા થઈ રહેલા કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે પ્રદૂષણ નિયંત્રણ, વરસાદી પાણીના નિકાલ અને શહેરની સ્વચ્છતા માટે પોતાના કાર્યકાળ દરમિયાન કરાયેલી કામગીરીની માહિતી આપી હતી તથા પર્યાવરણ સુરક્ષા માટે સમાજના સહભાગિતાનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે ડો. ઈલેવાન ઠાકર દ્વારા “જૈવિક ખેતી” વિષય પર વિશેષ સત્ર લેવામાં આવ્યું હતું. સત્રની શરૂઆત તેમણે “વંદે માતરમ”ના ઉર્જાવાન સમૂહગાનથી કરાવી ઉપસ્થિતોમાં દેશભક્તિ અને ઉર્જાનો સંચાર કર્યો હતો. તેમણે ડીએપી અને પેસ્ટિસાઈડના વધતા ઉપયોગથી થતી હાનિ અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ ગાય આધારિત કુદરતી અને જૈવિક ખેતીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રકૃતિ તરફ ખેડૂતનો ફરી વળતો ઝોક સમાજ માટે શુભ સંકેત છે અને ગાય આધારિત ખેતીથી જમીનની ઉપજક્ષમતા તથા માનવ આરોગ્ય બંનેનું રક્ષણ શક્ય બને છે. અરૂણસિંહ રાજપૂતએ પ્રશ્નોના જવાબ આપીને ગંગા સેવિકા આયામના કાર્યને વધુ પ્રગતિશીલ બનાવ્યું ગંગા સમગ્રના ગુજરાત પ્રાંત મહિલા પ્રભારી ક્ષમા શેઠએ પ્લાસ્ટિક પ્રદૂષણ, પૂજા સામગ્રીના યોગ્ય વિસર્જન તથા ઘાટોની સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. પ્રાંત સંગઠન મંત્રી પ્રકાશ યાદવએ પાણી, નદી, ઉદ્યોગ અને ખેતી સાથે જોડાયેલા પ્રદૂષણના મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી આપી હતી તેમજ ઉપસ્થિત કાર્યકર્તાઓને પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ લેવડાવ્યો હતો. ગંગા સમગ્રના સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ગુજરાત પ્રાંત મહામંત્રી આરાધ્યા પટેલએ સંગઠનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમાપન સત્ર દરમિયાન અરૂણસિંહ રાજપૂતએ કાર્યકર્તાઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઝીણવટભર્યા જવાબો આપી આવનારા સમયમાં ગંગા સમગ્રના કાર્યને વધુ પ્રગતિશીલ બનાવવા સૌને આહ્વાન કર્યું હતું. કાર્યક્રમના અંતે ગુજરાત પ્રાંત સહ-સંયોજિકા ઋષિદા ઠાકુર દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વૈશાલીબેન બેલાણી, ગાયત્રીબેન શાહ તથા તેમની ટીમે વિશેષ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં ગૌરાંગભાઈ પંડ્યા, પરાશર રાવલ તેમજ તાપી જિલ્લામાંથી પધારેલા સંજયભાઈ સહિત અનેક કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. Post navigation સારંગપુર ટ્રસ્ટના ટ્રેડમાર્ક નિર્ણયનો બ્રહ્મ સમાજ વિરોધ ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાના મળી ૬૫૦ જેટલા ખેડૂતોએ ઉપસ્થિત રહી કૃષિ સંવાદ થકી કૃષિ વિષયક મુંઝવણોનું સમાધાન મેળવ્યું