સમાજમાં જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે માનવતાના દર્શન કરાવતા કિસ્સાઓ પ્રેરણા પૂરી પાડતા હોય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે, જેમાં ઇમરજન્સીમાં અત્યંત દુર્લભ ગણાતા ‘AB નેગેટિવ’ બ્લડની જરૂરિયાત ઊભી થતા એક માતાનો જીવ જોખમમાં હતો. આ ગંભીર પરિસ્થિતિની જાણ થતા જ સમાજના જવાબદાર નાગરિકો આગળ આવ્યા હતા અને સમયસૂચકતા વાપરી રક્તદાન કર્યું હતું.

આ ઉમદા કાર્યમાં સરકારી કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સુતરીયા સાહેબ, હર્ષ બારોટ, પ્રાકૃતિક ખેતી એવોર્ડ મેળવનાર શ્રી હિતેષભાઇ પટેલ અને સંજય કાકડિયાએ તાત્કાલિક રેડક્રોસ સોસાયટી ખાતે પહોંચીને પોતાનું રક્ત જમા કરાવ્યું હતું. અત્યંત જૂજ મળતા AB નેગેટિવ બ્લડની વ્યવસ્થા કરીને આ ચારેય રક્તવીરોએ તે માતાને નવજીવન આપવા માટે નિમિત્ત બનીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દર્દીના પરિવારજનોએ આ કપરી પરિસ્થિતિમાં પડખે ઊભા રહેવા બદલ તમામ રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ પ્રસંગે રક્તદાતાઓએ અન્ય લોકોને પણ રક્તદાનના મહાયજ્ઞમાં જોડાવા અને જરૂરિયાતમંદોની વ્હારે આવવા અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *