વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ખેડૂતોની આવક બમણી કરવાના’ સ્વપ્નને સાકાર કરવા અને દેશને રસાયણમુક્ત બનાવવાના હેતુથી ગાંધીનગર જિલ્લામાં ‘આત્મા’ પ્રોજેક્ટ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા એક ભવ્ય પ્રાકૃતિક કૃષિ સંવાદ અને લાઈવ નિદર્શન કાર્યક્રમનું સુંદર આયોજન ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દહેગામ, ગાંધીનગર, માણસા અને કલોલ તાલુકાના જુદા જુદા ગામોમાંથી ૬૫૦ જેટલા પ્રગતિશીલ ખેડૂતો અને અગ્રણીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતોની ખેત પેદાશો તેમજ પ્રાકૃતિક ખેતી માટેના જુદા જુદા ઓર્ગેનિક ઇનપુટ્સનું લાઈવ નિદર્શન કરતા ૩૦થી વધુ વિશાળ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા. ઉપરાંત, કૃષિ સંવાદ અંતર્ગત ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે વિશેષ સેલ્ફી પોઈન્ટ્સ તૈયાર કરાયા હતા, જેમાં “હું પ્રાકૃતિક ખેતી કરું છું અને હવે હું પ્રાકૃતિક ખેતી કરીશ” તેમજ “પ્રાકૃતિક ખેતી એટલે આત્મનિર્ભર ખેતી” જેવા સૂત્રો ખેડૂતોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી, રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના વિશેષ માર્ગદર્શન હેઠળ આજે રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના કારણે ધરતી માતા અને માનવ સ્વાસ્થ્ય બંને ગંભીર જોખમમાં મૂકાયા છે, જેનો શ્રેષ્ઠ ઉકેલ આપણી પરંપરાગત શૂન્ય ખર્ચ આધારિત પ્રાકૃતિક ખેતીમાં જ છુપાયેલો છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી બહારથી મોંઘા ખાતરો કે જંતુનાશકો ખરીદવાની બિલકુલ જરૂર પડતી નથી, કારણ કે દેશી ગાયના માત્ર એક દિવસના છાણ અને ગૌમૂત્રની મદદથી કોઈ પણ બેંક લોન લીધા વિના ૩૦ એકર જમીનમાં સમૃદ્ધ ખેતી કરી શકાય છે. રસાયણ મુક્ત અને શુદ્ધ અનાજ તેમજ શાકભાજી મળવાથી સામાન્ય લોકોનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે અને ખેડૂતોને બજારમાં પાકના ઊંચા ભાવો મળતા આર્થિક લાભ થાય છે. જો ઉત્પાદન ખર્ચ નહિવત થાય અને આવક બમણી થાય, તો વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર થશે અને આપણો ખેડૂત, ગામ તેમજ દેશ આપોઆપ આત્મનિર્ભર બનશે. તેથી શક્ય હોય તેટલું વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન કરવા તેમણે ઉપસ્થિત તમામ ખેડૂતોને અનુરોધ કર્યો હતો. ગાંધીનગર જિલ્લામાં આ અભિયાનને વ્યાપક બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી હોવાનું જણાવતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ વધારવાના આ અભિયાન અંતર્ગત જિલ્લાના ૪ તાલુકાની ૨૮૮ ગ્રામ પંચાયતોમાં દર ૩ પંચાયત દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૫ હજારથી વધુ ખેડૂતો આ ક્લસ્ટરોમાં જોડાયા છે, જેમાંથી ૧,૫૯૮ ખેડૂતોએ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી અપનાવી લીધી છે અને અન્ય ખેડૂતોના માર્ગદર્શન માટે ૧૫૦ જેટલા પ્રેરણાદાયી ‘મોડેલ ફાર્મ’ પણ તૈયાર કરાયા છે. આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ અને કૃષિ યુનિવર્સિટી દ્વારા દરેક ગામમાં “ખેત બચાવ અભિયાન” અંતર્ગત આગામી ૩૦ જૂન સુધી સઘન તાલીમ આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ માટે ખેડૂતોને વાર્ષિક રૂ. ૧૦,૮૦૦ની આર્થિક સહાય સીધી ચૂકવવામાં આવે છે, જેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧,૮૯૯ ખેડૂતોને રૂપિયા ૧૦૨.૫૪ લાખથી વધુની સહાય સીધી બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત, જે ખેડૂતો પાસે દેશી ગાય નથી તેમના માટે ૨૪ જેટલા બી.આર.સી. બાયો ઇનપુટ સેન્ટરો દ્વારા જીવામૃત અને ઘનજીવામૃત ઉપલબ્ધ કરાવાયા છે તેમજ પાકના વેચાણ માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ ૩-૩ વેચાણ કેન્દ્રો અને ક્લસ્ટર સ્તરે હોમ ડિલિવરી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. પ્રમુખશ્રીએ અંતમાં અપીલ કરી હતી કે પરિવારના ઉત્તમ આરોગ્ય માટે ફેમીલી ડોક્ટર માફક હવે ‘ફેમિલી ફાર્મર’ રાખવાનો સમય આવી ગયો છે; જ્યારે આપણો આખો જિલ્લો આ પ્રાકૃતિક ખેતી અપનાવશે ત્યારે રાસાયણિક ખાતરો પાછળ અપાતી કરોડો રૂપિયાની સરકારી સબસિડીનો બચાવ થશે અને આ જ નાણાં દેશ અને ગામડાના સર્વાંગી વિકાસમાં વાપરી શકાશે. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત દહેગામ તાલુકાના ધારાસભ્યશ્રી બલરાજસિંહ ચૌહાણે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી, રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રીના ભગીરથ પ્રયાસો અને પ્રાકૃતિક કૃષિના મહાઅભિયાનને કારણે જ આજે આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમોનું સફળ આયોજન થઈ રહ્યું છે. આ સાથે જ તેમણે રાસાયણિક ખાતરોના અંધાધૂંધ ઉપયોગથી થતી ગંભીર આડઅસરો અને બીમારીઓથી બચવા માટે હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે તે બાબત પર ભાર મૂક્યો હતો અને પર્યાવરણ તેમજ માનવ સ્વાસ્થ્યના રક્ષણ કાજે ઉપસ્થિત તમામ ખેડૂતોને શક્ય હોય તેટલું વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન કરવા હાર્દિક અનુરોધ કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં આત્મા તાલીમ કેન્દ્રના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે. એન. વરમોરાએ આ કૃષિ સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં પધારેલા ધરતીપુત્રોનું શાબ્દિક સ્વાગત કરી કૃષિ સંવાદની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે APMC ચેરમેન સુમેરુભાઈ અમીન, જિલ્લા પંચાયત સદસ્યશ્રી રણવીર સિંહ ચૌહાણ, જિલ્લા કિસાન મોરચા મહામંત્રીશ્રી બંકિમભાઈ પટેલ, કિસાન મોરચા અધ્યક્ષશ્રી હરેશભાઈ પટેલ તથા દહેગામ તાલુકાના જિલ્લા સદસ્યશ્રીઓ, તાલુકા સદસ્યશ્રીઓ તથા ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, પશુપાલન વિભાગ, આત્મા પ્રોજેક્ટ તેમજ અન્ય પદાધિકારીશ્રીઓ સાથે, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી વૈજ્ઞાનિક શ્રી, KVK રાંધેજા અને ટીમ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ બાગાયત નિયામક શ્રી, પશુપાલન નિયામક શ્રી, પ્રોજેક્ટર ડાયરેક્ટરશ્રી આત્મા તેમજ સમસ્ત કૃષિ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. Post navigation ગાંધીનગર ખાતે ગંગા સમગ્રના ગંગા સેવિકા આયામનો પ્રાંતિય અભ્યાસ વર્ગ યોજાયો