ભરૂચ,
ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રેસર એવી દહેજની એપીગ્રલ લિમિટેડ (મેઘમણી ગ્રુપ) દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ (CSR) અંતર્ગત માનવીય અભિગમ દાખવતા, ભરૂચના ત્રાલસા સ્થિત ‘અસ્મિતા વિકાસ કેન્દ્ર’ના ૧૦ મનોદિવ્યાંગ બાળકોને આગામી એક વર્ષ માટે દત્તક લેવામાં આવ્યા છે. આ ઉમદા કાર્ય થકી સંસ્થાના નિવાસી બાળકોના શિક્ષણ, આરોગ્ય અને પોષણ જેવી પાયાની જરૂરિયાતોને બળ મળશે.
આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા એપીગ્રલ કંપનીના ફાઉન્ડર અને ચેરમેન જયંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે, “સમાજના વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે ઉદ્યોગ જગત અને સામાજિક સંસ્થાઓ વચ્ચેનો સમન્વય અનિવાર્ય છે.” તેમણે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી ટ્રસ્ટ મંડળને અભિનંદન પાઠવ્યા હતા.
કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ વિજય વાસુદેવા અને યુનિટ હેડ રાકેશ દવેએ કંપનીની પ્રતિબદ્ધતા દોહરાવતા કહ્યું હતું કે, વંચિત અને વિશેષ જરૂરિયાત ધરાવતા વર્ગોના ઉત્થાન માટે કંપની ભવિષ્યમાં પણ સહયોગી બનતી રહેશે. આ કાર્યક્રમમાં વ્યક્તિગત રીતે પણ પ્રેરણાદાયી સહયોગ સાંપડ્યો હતો, જેમાં કંપનીના મિકેનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ૧ બાળક તેમજ અધિકારીઓ સર્વશ્રી વિજય વાસુદેવા, નવનીત ગુપ્તા અને ગોપાલ ખત્રી દ્વારા એક-એક બાળકીને વાર્ષિક દત્તક યોજના હેઠળ દત્તક લેવામાં આવી હતી.
અસ્મિતા વિકાસ કેન્દ્રના પ્રમુખ મગનભાઈ હનિયા અને મેનેજિંગ ટ્રસ્ટી પ્રણવભાઈ ભટ્ટે આર્થિક સહયોગ બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેટ સેક્ટરના આવા સહયોગથી મનોદિવ્યાંગ બાળકોના પુનર્વસન અને સર્વાંગી વિકાસના કાર્યોને વધુ ગતિ મળે છે. સમગ્ર કાર્યક્રમના અંતે સંસ્થા દ્વારા એપીગ્રલ લિમિટેડના મેનેજમેન્ટનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *