અંકલેશ્વર,
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી જલધારા સોસાયટીમાં રાત્રિ દરમિયાન રહેણાંક મકાનને નિશાન બનાવી થયેલી ઘરફોડ ચોરીનો ભેદ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે ઉકેલી નાંખ્યો છે. પોલીસે બાતમીના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલભેગો કર્યો છે.
ફરિયાદી નિલેશકુમાર સુવાસસિંગ (રહે. જલધારા સોસાયટી, જી.આઈ.ડી.સી. અંકલેશ્વર) ગત રાત્રિએ પોતાના મકાનની લોખંડની ગ્રીલ અંદરથી બંધ કરી સુતા હતા. તે દરમિયાન કોઈ અજ્ઞાત તસ્કરે ગ્રીલ ખોલી મકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કર મકાનમાંથી LENOVO કંપનીનું લેપટોપ (કિ. રૂ. ૩૦,૦૦૦/-), મહત્વના દસ્તાવેજો (આધાર કાર્ડ, પાન કાર્ડ, ATM) તથા HP કંપનીનું લેપટોપ (કિ. રૂ. ૧૦,૦૦૦/-) મળી કુલ રૂ. ૪૦,૦૦૦/- ની મતાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસની ટીમ તપાસમાં જોતરાઈ હતી. દરમિયાન, પોલીસને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે ચોરીમાં સંડોવાયેલ શખ્સ મુદ્દામાલ સાથે પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપી રવિન્દ્ર ઉર્ફે મવાલી સુરેન્દ્રસિંગ (ઉ.વ. ૨૨)
(રહે. નિરવકુંજ સોસાયટી, મહેન્દ્રનગર-૨ પાસે, ગડખોલ ગામ, તા. અંકલેશ્વર, જી. ભરૂચ)ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ અને તપાસ દરમિયાન તેની પાસેથી ચોરીમાં ગયેલ બંને લેપટોપ અને અન્ય સામાન મળી આવ્યો હતો. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *