આગામી ૨૫મી એપ્રિલ ‘વિશ્વ મેલેરિયા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ સેક્ટરો અને નવા વિકસતા વિસ્તારોમાં આવેલી બાંધકામ સાઇટ્સ તથા લેબર કોલોનીઓમાં વાહકજન્ય રોગોના અટકાયત માટે ‘રાત્રિ ફિવર સર્વે’ અને વર્તમાન ગરમીને ધ્યાને રાખી ‘હીટવેવ જનજાગૃતિ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગાંધીનગરના સેક્ટર ૩, ૪, ૫, ૬, ૧૩, ૨૦ અને ૨૯ સહિત વાવોલ, પેથાપુર, સરગાસણ, કુડાસણ અને રાંદેસણ જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં અન્ય રાજ્યો અને જિલ્લાઓમાંથી શ્રમિકો સ્થળાંતર કરીને આવતા હોય છે. આ શ્રમિકો દિવસ દરમિયાન મજૂરી કામમાં વ્યસ્ત હોવાથી તેઓનો સંપર્ક કરવો મુશ્કેલ હોય છે, જેને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગની ૧૭ ટીમો દ્વારા રાત્રિના સમયે સર્વેની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોના લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દીઓના લોહીના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. છાપરા અને બાંધકામ સાઇટ પર પાણીના સંગ્રહ માટે વપરાતા પીપ, ટાંકા અને કેરબા ઘણીવાર ખુલ્લા રહે છે, જે મચ્છરોના સંવર્ધન માટે જવાબદાર બને છે. આરોગ્ય ટીમો દ્વારા શ્રમિકોને પાણીના પાત્રો ઢાંકીને રાખવા, સપ્તાહમાં એકવાર પાત્રો ઘસીને સાફ કરવા અને મચ્છરથી બચવા માટે મચ્છરદાની કે આખી બાંયના કપડાં પહેરવા જેવી સાવચેતીઓ અંગે સમજણ આપવામાં આવી હતી. આ સાથે જ માર્ગદર્શન પત્રિકાઓ અને બેનરો દ્વારા રોગ નિયંત્રણની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. વધુમાં, હાલમાં ચાલી રહેલી કાળઝાળ ગરમીને જોતા હીટવેવથી બચવા માટે પણ શ્રમિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લોકોને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવા, બપોરના સમયે સીધા તડકામાં કામ કરવાનું ટાળવા અને તબિયત લથડે તો તુરંત આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના અપાઈ હતી. જરૂરિયાત મુજબ શ્રમિકોને ઓ.આર.એસ. (ORS) ના પેકેટોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના સર્વેલન્સ અને જનજાગૃતિના કાર્યો આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. Post navigation માનવતા મહેકી,એક માતાની જિંદગી બચાવવા સરકારી કોલેજના પ્રિન્સિપાલ સહિતના મહાનુભાવોએ કર્યું રક્તદાન કુદરતી ખનીજ તત્ત્વોમાંથી બનેલ કુદરતી ખાતરો સહિતની પ્રોડકટ્સ ગુજરાતના ખેડૂતોને પુરી પાડવા ગુજકોમાસોલ દ્વારા શુભ શરૂઆત