રાજ્યમાં ચાંદીપુરા વાયરસના ૬૩ કેસ, ૧૨ પોઝિટિવ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં તાત્કાલિક અને વ્યાપક પગલાંઓની સમીક્ષા કરવામાં આવી. રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ 63 શંકાસ્પદ કેસો નોંધાયા છે, જેમાંથી 12 દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમાંથી 9 કેસ ગુજરાતના અને 3 કેસ રાજસ્થાનના દર્દીઓના હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું. 63માંથી 55 કેસોના પરીક્ષણ પરિણામો પ્રાપ્ત થયા છે, જ્યારે 8 નમૂનાઓના રીપોર્ટ હજુ બાકી છે. પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે, “હાલમાં નોંધાયેલા પોઝિટિવ કેસો ગુજરાતના પંચમહાલ અને ખેડા જિલ્લામાં 2-2, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ભાવનગર અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં એક-એક કેસ નોંધાયા છે.” તેમણે અધિકારીઓને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને કેસ હિસ્ટ્રીની ઝીણવટભરી તપાસ કરવા સ્પષ્ટ સૂચના આપી છે, જેથી વાયરસના સંક્રમણના સ્ત્રોતને ઓળખી શકાય. અસરગ્રસ્ત વિસ્તારોમાં કાચા અને પાકા મકાનો સહિત હજારો ઘરોને આવરી લઈને વ્યાપક હેલ્થ સ્ક્રીનિંગ હાથ ધરાયું છે. વાયરસના વાહક ગણાતા સેન્ડફ્લાય મચ્છર અને જીવાતોના નિયંત્રણ માટે કાચા મકાનો અને પશુઓની ગમાણની આસપાસના વિસ્તારોમાં ડસ્ટીગ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે જણાવ્યું કે, તમામ જિલ્લા મથકોની સિવિલ અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં બાળકો માટે ICU બેડ, જરૂરી દવાઓ અને વેન્ટિલેટરની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે સામાન્ય રીતે ચોમાસા દરમિયાન અને સપ્ટેમ્બર માસ સુધી ચાંદીપુરા વાયરસની સક્રિયતા વધુ જોવા મળે છે. આ વાયરસ મુખ્યત્વે નાના બાળકોને અસર કરે છે. મંત્રીશ્રીએ જણાવ્યું, “જો કોઈ બાળકમાં અચાનક તીવ્ર તાવ, ખેંચ આવવી, ઉલટી-ઝાડા થવા કે બેભાન થવા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલ કે બાળરોગ નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ.” તંત્રએ નાગરિકોને ભયભીત ન થવા અને માત્ર સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે. આરોગ્ય વિભાગે જણાવ્યું કે, સમગ્ર તંત્ર સંપૂર્ણપણે સતર્ક છે અને તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. Post navigation ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાના મળી ૬૫૦ જેટલા ખેડૂતોએ ઉપસ્થિત રહી કૃષિ સંવાદ થકી કૃષિ વિષયક મુંઝવણોનું સમાધાન મેળવ્યું વાહન માલિકીની તબદીલીમાં આધાર લિંક ફરજિયાત