આંખોમાં વડીલના નિધનનું આંસુ, પણ હૈયે રાષ્ટ્રધર્મનું ઝનૂન,પારસાની મહિલાઓએ લોકશાહીનું મૂલ્ય સમજાવ્યું
અંગત ખોટ છતાં અટલ ફરજ: એક દિવસ પૂર્વે વડીલ ગુમાવ્યા છતાં મતદાનની પવિત્ર ફરજ નિભાવી

જન્મ અને મૃત્યુ એ કુદરતી ક્રમ છે, પણ લોકશાહીને મજબૂત બનાવવાની તક પાંચ વર્ષમાં એક જ વાર મળે છે-કેતન બેન પટેલ

ભારતીય સંસ્કૃતિમાં પરિવારમાં જ્યારે કોઈ વડીલનું નિધન થાય ત્યારે ઘરમાં ગમગીની અને શોકનો માહોલ હોય છે, જેમાં સામાજિક મર્યાદાઓ અને રીત-રિવાજોને પ્રાધાન્ય આપવામાં આવે છે. પરંતુ માણસા તાલુકાના પારસા ગામની ત્રણ મહિલાઓએ સાબિત કરી દીધું છે કે, પારિવારિક શોક અને રિવાજો કરતાં પણ દેશ પ્રત્યેની ફરજ સર્વોપરી છે.

પારસા ગામના રહેવાસી કેતનબેન જિતેન્દ્રભાઈ પટેલ, ભાવનાબેન પટેલ અને લક્ષ્મીબેન પટેલના પરિવારમાં માત્ર એક દિવસ પહેલા જ વડીલનું અવસાન થયું હતું. આખા ઘરમાં માતમ છવાયેલો હતો અને સ્વજનોના હૈયા ભારે હતા. સામાન્ય રીતે આવા પ્રસંગે પરિવારના સભ્યો ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે, પરંતુ આ મહિલાઓએ મક્કમતા બતાવી એક અનોખો નિર્ણય લીધો હતો. તેમનું માનવું હતું કે જન્મ અને મૃત્યુ એ કુદરતી ક્રમ છે, પણ લોકશાહીને મજબૂત બનાવવાની તક પાંચ વર્ષમાં એક જ વાર મળે છે. આ જ ઉમદા વિચાર સાથે ત્રણેય મહિલાઓએ અંગત દુઃખને બાજુ પર મૂકીને મતદાન મથક સુધી પહોંચી પોતાનો અમૂલ્ય મતાધિકાર ઉપયોગ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, ઘરના વડીલની ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી, પરંતુ નાગરિક તરીકે આપણી પ્રથમ ફરજ દેશ પ્રત્યેની છે. અમારો એક મત દેશના ભવિષ્ય માટે મહત્વનો છે, તેથી અમે શોકની આ ઘડીમાં પણ મતદાન કરવાનું નક્કી કર્યું.
માણસા તાલુકાના આ નાના એવા ગામની મહિલાઓએ સમાજ સામે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જ્યારે અનેક લોકો સામાન્ય બહાના હેઠળ મતદાન કરવાનું ટાળતા હોય છે, ત્યારે આ મહિલાઓએ “પહેલા મતદાન, પછી બીજું કામ” ના મંત્રને ખરા અર્થમાં સાર્થક કર્યો છે. પારસા ગામની આ મહિલાઓની રાષ્ટ્રભક્તિ અને જાગૃતિએ સાબિત કર્યું છે કે લોકશાહીના આ મહાપર્વમાં કોઈ પણ અંગત મુશ્કેલી દેશ હિતની ફરજ આડે આવવી જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *